જૂનુ ઘર ખાલી કરતા

 #જૂનુંઘરખાલીકરતાં

આજથી સાડા પાંચ વર્ષ પહેલાં અઢી વર્ષના અંશુલ સાથે હું મારા પત્ની અને નાનો ભાઈ વિષ્ણુ સેકટર-27નું સરકારી પોલીસ આવાસ ખાલી કરી ગાંધીનગરના હૃદય સમાં સેકટર-21ના  પાટનગરના આ સરકારી આવાસમાં રહેવા આવ્યા.નયનમાં સમણા નો સાગર,ઉમંગ-ઉત્સાહનો આનંદ લઈને જ્યારે આ મકાનમાં રહેવા આવ્યા.ત્યારે આ આવાસ ખુબજ ગમવા લાગ્યું કેમ કે અહીં મારી સી.એમ.હાઉસ ખાતેની નોકરી નજીક,માર્કેટ સાવ નજીક,વિષ્ણુની લાયબ્રેરી નજીક,અંશુલની સ્કૂલ નજીક અને સરસ મજાના કમ્પાઉન્ડની આગળ મારુ ઘર.અમે આવ્યા પછી આ ઘરને ખુબજ લાગણીઓ થી નવા રંગ રૂપમાં ઢાલ્યુ.આગળ પાછળ બગીચો બનાવ્યો,છોડવાઓ માટે ટપક પદ્ધતિથી પાણી લગાવ્યું,સરસ રંગ બેરંગી ફૂલોના કુંડાઓ લગાવ્યા,પોતાની જાતેજ અને મરજી મુજબ ખુબજ ચીવટ અને કુનેહ થી ઘરને ડેકોરેટ કર્યું જેમાં લાઈટ,પાણી,કલર,પડદા અને મચ્છર ઝાળીઓ વગેરેથી ઘરને એક નવા રંગ-રૂપમાં ઢાલ્યું,આમ એક સરકારી આવાસને મધ્યમ વર્ગના સ્વપ્ન મહેલની જેમ સણગાર્યો.

                         લગ્નના ચાર વર્ષ બાદ નવા પરિણયના પ્રેમના શાંત થયેલા ઉભરા પછીની જે એક-બીજા પ્રત્યેની પતિ-પત્નીની સમજણ,સમર્પણ અને સન્માનનો સુભગ સમન્વય સાધી જીવનનો એક નોખો અને યાદગાર તબક્કો શરૂ કર્યો.અને લગભગ આ છ વર્ષ ઉત્તમ દરજ્જાના માનવીઓના પડોશમાં રહેતા ક્યાં અને ક્યારે પસાર થઈ ગયા એની ખબરજ ન પડી  પોલીસ ઇન્સપેક્ટર શ્રીઓ જેમાં મહાવીસિંહ, વી.કે.પટેલ,યોગેશ મિસ્ત્રી,મંગળસિંહ,દિગુભા,હિતેશભાઈ તથા  બીજા અધિકારીઓ જેમાં મન્સૂરી સાહેબ,ઠેબા સાહેબ,વસાવા સાહેબ જેવા બુદ્ધિજીવીઓનો સંગાથ સાંપડ્યો એમની સોબતથી જીવનના ઉત્તમ પાઠ શીખવા મળ્યા.આમ એક ખુબજ સુખી,સંપૂર્ણ અને સરસ મજાનો દામ્પત્ય જીવનનો અરસો આ ઘરમાં પસાર કર્યો.

                       આજે બધી ઘર વખરીને સમેટી એક ગાડીમાં ભરી,નાની અને ઝીણી ઝીણી વસ્તુઓ પણ યાદ કરી કરીને પોટલે વાળી,સાચવીને સામાન સાથે ગાડીમાં ગોઠવી અને આ ઘરનાના એક-એક અંગમાં અકબંધ રહેલી અનેરી યાદોનો અંબોડો વાળી પોતાની સાથે લીધી જ્યારે અહીંથી પોતાના મકાનમાં કાયમને માટે રહેવા જઈ રહ્યા છીએ ત્યારે જતાં જતાં છેલ્લી વાર આ ઘર પર નાખી કે કંઈ રહી જતું તો નથી ને?નજર જેવી ખાલી થઈ ગયેલા આંગણા પરથી બારસાખના રસ્તે જેવી અંદર ગઈ કે  યાદોના ગુંથેલા અંબોડાની ગાંઠ છૂટી ગઈ!!અને વિખરાયેલા અંબોડામાંથી યાદોની એક એક લટ નજર સામે તરવા લાગી અને ધબકતા હૈયાના ભીતરથી સ્મરણોની વણજાર વછૂટી ,પોતાના ઘર તરફ ઉપડેલા પગ પર જાણે કોઈએ યાદોનો ખીલો ઠોસી દીધો હોય એમ પગ ત્યાંજ ખોડાઈ ગયા અને વિતાવેલ સમયની સ્મૃતિઓનું સમય ચક્ર માનસપટ પર ફરવા લાગ્યું, સિનેમાની પટ્ટીની જેમ નજર સમક્ષ ચાલવા લાગી. અંશુલનું બાળપણ,એના ભણતરની પાપા પગલી,ક્રિશિવાનું અમારા જીવનમાં આગમન.ઘણી બધી મસ્તી,મજા અને ગમ્મત જોડાયેલી છે આ ઘરમાં, તહેવારોની ઉજવણી, જન્મદિવસ કે એનિવર્સરીની ઉજાણી.મારુ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેનું પ્રમોસન.વિષ્ણુ ગાંધીનગરમાં અભ્યાસ પૂરો કરી આગળ અભ્યાસ અર્થે અમદાવાદ ગયો એની સાથે ગાળેલા જીવનના મહામુલા દિવસોનો સંગાથ આ ઘરથીજ વિખોટા પડ્યા.નાના ભાઈ મનોહરના આગમને પ્રેમ,લાગણી અને હૂંફની એક નવી કહાની લખી વિષ્ણુના જવાથી પડેલો ખાલીપો મનોહરે ભરી દીધો,પરંતુ મનોહરના જવાથી જે ખાલીપો સર્જાયો એ ઘરના એક ખૂણે અને એક-એક ઝાડવામાં પણ મૌન બની વર્તાયો,ઘરમાં રહેતો ઉત્સાહ અને મજાક જાણે હાથ તાળી આપી લાંબા સમય સુધી વેગળો થઈ ગયો.....

                                 ચાલી રહેલી યાદોની હારમાળા વચ્ચે જેવી સામેના ઘર પર નજર પડી કે ત્યાંથી મારા તરફ નજીક આવતા હર્ષના પપ્પા કિરણભાઈ મણિયાર દેખાયા.હમણાં હમણાંથી સહેજ ઝુકીને ચાલતા થઈ ગયેલા,બહુજ ઝડપે ખરી ગયેલા માથાના વાળ અને અર્ધ સફેદ થઈ ગયેલી દાઢી,દુબળુ શરીર અને  ઊંડી ઉતરી ગયેલી આંખો અને તેના પરના કાળા કુંડાળા, મોઢા પર માસ્ક હોવાથી ન દેખતા ચહેરાના ભાવ પાછળ વિહ્વળ આંખોમાંથી એક અકલ વ્યાકુળતા નજરે પડતી હતી.જેવા મારી તદ્દન નજીક આવ્યા કે એમનો નિસ્તેજ અને ચિંતિત ચહેરો જોઈને મનમાં ગમગીની,કરુણતા અને દુઃખની સેડ પડી.ફફડાડ અને થડકતા અવાજે બોલ્યા *આમ અચાનક સામાન ભરીને ક્યાં ચાલ્યા? હું ભારે હૈયે ખુબજ લાગણીથી અહીંથી પોતાના મકાનમાં શિફ્ટ થવાની વાત કરતો ગયો તેમ તેમ એમના ચહેરાના ભાવ તંગ થતા ગયા થોડીક ઔપચારિક વાતો કરી એમણે અંશુલને ખુબજ આગ્રહ સાથે 501₹ હાથમાં આપ્યા.

*અંશુલ અને હર્ષ*

                     છ વર્ષ પહેલાં જ્યારે અમે અહીં રહેવા આવ્યા લગભગ ત્યારેજ અમારી સામે જ એક આકર્ષક વ્યક્તિત્વના ધણી સ્વાસ્થ્ય ખાતામાં ફરજ બજાવતા ડેપ્યુટી સેક્સન ઓફિસર કિરણભાઈ મણિયાર પોતના બે વર્ષના દીકરા હર્ષ અને પત્ની ગૌરી બહેન સાથે રહેવા આવેલા.હર્ષ અંશુલ કરતા છ મહિના નાનો.અંશુલનો જીગર જાન મિત્ર નાનકડો હર્ષ ગોરો વર્ણ,ગોળ ચહેરો,મોટી મોટી આંખો,દાડમની કળી જેવા એક સરખા દાંત,ગુલાબની પાંખડીયો જેવા રેશમી હોઠ અને મધુર સ્વરની સાથે મીઠી વાતો કરતો  રમતિયાળ અને દેવદૂત જેવો ભાસતો હર્ષ.વેરીના હૈયામાં પણ વ્હાલ ઉપજે એવો હર્ષ અંશુલનો લંગોટિયો અને આજ દિન સુધીનો એક માત્ર પાક્કો ગોઠી. બાળકોની ચિચિયારીઓ અને કિલકારીઓથી ગુંજતું કિરણભાઈનું ઘર,નાના ભૂલકાઓની નટખટ મસ્તીથી જુમતા ઘરના આંગણે ઉભેલા લાંબા લાંબા અસોપાલવો,એના પાલવ પાથરી રમકડાં જેવા ભૂલકાઓના બાળપણને લળી લળીને માણી રહેતા.ઝાળીદાર તારની ફેનસિંગ વચ્ચેથી હંમેશા નજરે પડતું સ્મિત અને સંગીત.ગૌરીબહેન બીજા બાળકો કરતા હર્ષનું વિશેષ ધ્યાન રાખતા.અંશુલને જ્યારથી સમજણ આવી ત્યારથી હર્ષ અંશુલને એક સાચા મિત્ર તરીકે મળ્યો,જેમની મિત્રતા છેલ્લા 4 વર્ષથી દિન પ્રતિદિન ખુબજ ઘનિષ્ઠ બની.હર્ષ સ્વભાવે પણ પોતાની વય કરતા વધારે ડાહ્યો અને સમજદાર બન્ને મિત્રો ચાર વર્ષ લગી એકજ સ્કૂલ એકજ ક્લાસમાં ભણતા બંને મિત્રો ઘરે આવ્યા પછી પણ સાથેના સાથેજ હોય.સાયકલ ચાલવાની સાથે,રમતો રમવાનું સાથે હર્ષ અને અંશુલની એવી મિત્રતા કે એમને ત્રીજા કોઈની જરૂર જ ન પડી. બસ સુવાનું હોય ત્યારે જુદા થાય.ફક્ત સ્વભાવ અને આદતો જ નહીં કદ કાઠી અને રંગ રૂપ પણ હૂબહૂ મળતું આવે,આવી ગાઢ મિત્રતા અને આવો અદ્ભૂત મેળાપ.આમ હસતા ખીલતા બંને મિત્રોને કે કોઈને ખ્યાલ જ નહીં હોય કે આવી મિત્રતાનો એક કરુણ અંજામ આવશે.નિષ્ઠુર કુદરતના એક ઘા એ આજે બધું વેરવિખેર કરી નાખ્યું. માઁ ની મમતાને મરસિયામાં અને પિતાના પ્રેમ ને પ્રલાપ માં પલટી નાખ્યા.આજે એ ઘરમાં સુનકાર શાંતિ છવાયેલી જોવા મળે છે,નિસ્તેજ અને ઉતરેલા ચહેરાઓ  જોવા મળે છે અને અસોપાલવતો જાણે ઝૂમવાનું જ ભૂલી ગયા હોય એવો ભાસ નિરંતર થયા કરે.એક સમયે રળિયામણા લાગતા આખા ચોગઠાના સૌથી લાંબા આસોપાલવો આજે બિહામણા લાગે છે.સ્મિત અને સંગીત તો જાણે આ દુનિયા મૂકીને પરલોક ગયું હોય.સરસ રીતે ચાલતી જિંદગીની ગાડીને અચાનક અકસ્માત થયો બે વર્ષ પહેલાં સતત બે મહિનાથી બીમાર રહેતા હર્ષના જ્યારે એક પછી એક રિપોર્ટ નોર્મલ આવ્યા છતાં બીમારી નહિ જતાં કાળજું કઠણ રાખી #બોર્નમેરો નો રિપોર્ટ કરાવ્યો અને જેનો ડર હતો એજ થયું ભગવાને હર્ષને #લ્યુકેમિયા નામની એક અસાધ્ય બીમારી આપી.એના માતા-પિતા પર વીજળીએ વજ્રાઘાત કર્યો હોય એમ ટુકડે ટુકડામાં ટુટી ગયા.આફતના આવા અકારા ઓળા કિરણભાઈ અને ગૌરી બહેન પર ઉતર્યા.આવી વિપદાની ઘડીમાં સૂઝ-બુઝ ખોઈ બેસેલા હર્ષના મમ્મી ગૌરી બહેન બેસુધ બની ગયા,પરંતુ આવી પડેલી દુઃખની ઘડીમાં પણ એક પિતાએ કાળજું કઠણ કરી હર્ષના માતા ગૌરીબેનને સાંત્વના આપી અને છેલ્લી ઘડી સુધી એક ઉત્તમ સારવાર આપવાનો દિલાસો આપ્યો.માતા-પિતાએ સતત દોઢ વર્ષ એની પાછળ રાત-દિવસ એક કર્યા,લોહીનું પાણી થઈ જાય એટલી મહેનત એને બચાવવા માટે કરી.ડૉકટર, વૈદ્ય અને માનતાઓ પણ કરી.સારા સારા દવાખાને બતાવ્યું,બીજા દેશોમાંથી પણ મૂલ્યવાન દવાઓ મંગાવી,ખુબજ તકલીફો વેઠી.હર્ષના માતા-પિતાને છેલ્લી ઘડીએ બસ એકજ વાતનો ડર હતો કે અમારા કુમળા દીકરાને વધારે તકલીફ ન પડે.દીકરાના દુઃખમાં હિજરાતી માતા અને કણસતો પિતા બેબસ બની જેટલા દિવસો બચ્યા છે એને જાણે એની સાથે જીવી લેવા માંગતા હોય તેમ હર્ષને પોતાની નજરથી ઘડી ભર પણ આઘો થવા ન દેતા, પરંતુ જ્યારે કુદરત રૂઠે ત્યાં કોઈનું ક્યાં જોર ચાલે છે અને અંતે બીમારી જીતી ગઈ યમદૂતની સાથે દેવદૂત જેવા સોહામણા હર્ષને  દેવલોક જવું પડ્યું.ત્યારે ગૌરીબહેનના હૈયાફાટ રુદનથી પાષાણ પણ પીગળી જાય...ત્યાં હાજર સૌ કોઈની આંખોમાં પાણી અને દિલમાં વેદના હતી.એકનો એક વ્હાલસોયો દીકરો ગુમાવવાનો આઘાત કિરણભાઈ અને ગૌરીબહેન સહન ન કરી શક્યા.. અને જાણે જીવન જીવવાનુજ ભૂલી ગયા.અંશુલ આજે પણ હર્ષને યાદ કરીને ખુબજ ઉદાસ થઈ જાય છે.હર્ષને ગુમાવવાનો આઘાતે અંશુલના કુમળા મનને પણ ઘમરોળી દીધું અને સૌના માનસ પટ પર ઘેરો શોક છવાયો.અંશુલ હર્ષના ઉદાસ રહેતા મમ્મી ગૌરીબહેન જોડે વાતો કરવા જઈ આવે છે,અને એમને એમના દીકરાના મિત્ર જોડે વાતો કરી ખુબજ સારું લાગે છે.અંશુલને મેદાનમાં રમતો જોઈ કિરણભાઈ અને ગૌરીબહેન જાણે હર્ષને જોઈ લેતા હોય એમ દિલને દિલાસો આપતા..

                    હર્ષને અંશુલમાં જોતા કિરણભાઈ આજે છેલ્લી ઘડીએ અંશુલને આવજે બેટા કહેતા કહેતા જાણે રહ્યો સહયો હર્ષ પણ આજે ગુમાવતા હોય એવું દર્દ એમની આંખોમાં વર્તાઈ રહ્યું હતું.હર્ષને આ અસાધ્ય બીમારીએ એની બાહુપાશમાં જકડયો ત્યારે આસપાસ રહેતા સૌ ડરી ગયા,જ્યારે એની પાસે બહુજ ઓછો સમય હતો એટલે બીજા છોકરાઓ એમને ચેપ ન લાગે એ બીકે એનાથી અંતર રાખવા લાગ્યા આ જોઈ અંશુલ મનોમન ખુબજ દુઃખી થઈ ગયો.અમે એને સમજાવ્યો  કે આ બીમારી ચેપી નથી કે કોઈના અડવાથી કે સાથે ઉઠવા,બેસવા કે રમવાથી ફેલાતી નથી.અને જેને *રામ રાખે એને કોણ ચાખે* તું તારા ભાઈબંધ જોડે રમ અને એને ખુશ રાખ.અંશુલ જતો થયો તો અમુક લોકોએ ન મુકવા માટે પણ કહ્યું છતાં એમને પણ સમય જતા સમજાયું કે આ ચેપી રોગ નથી,અને એમના બાળકો પણ હર્ષ જોડે રમતા થયા.અમરાવતી વાસી હર્ષ યાદોમાં સદાય અમર રહેશે.

                       બીજો પણ એક કરુણ બનાવ મારી એકદમ પડોશમાં રહેતા ઠેબા સાહેબ દંપતી કે જેઓનો પરિવાર અને દંપતી પ્રેમ એક આદર્શ કહી શકાય એવો જે કોઈને પણ ઉડીને આંખે વળગે,પરંતુ એમની આ સારસ બેલડીની જેવી જોડી પણ અલ્લાહે અકાળે તોડી દીધી,હસતા,ગાતા અને નાનીજ ઉંમરના ઠેબા સાહેબના પત્નીને બ્રેન સ્ટોક આવ્યો અને ચોગઠાની રહી સહી રોનક પણ જાણે એમની સાથે વિદાય લીધી હોય એવું લાગ્યું.

               થોડા સમય પહેલાજ ઘણા બધા નવા લોકો અને છોકરાઓ ફરી આ ચોગઠામાં રહેવા આવ્યા અને મેદાન બાળકોની મસ્તી ધૂળ ઉડાડતું થયું.આ યાદો  બાંધી બંધાય એમ નથી.એને તો બાહુપાશમાં વીંટાળીનેજ લઈ જવાની રહી.....

Popular posts from this blog

એક પિતા