એક પિતા

                         *એક પિતા*                 13/07/17
 મારા જીવનના અસહ્ય બે કલાક
               રાબેતા મુજબ આજની સવાર પણ થઈ,છોડવાઓ અને પક્ષીઓના કુંડાને પાણી આપ્યું.વિષ્ણુ પોતાનું નિત્યક્રમ પતાવી ચા-નાસ્તો કરી વાંચવા માટે લાયબ્રેરી ગયો અને મનોહર એનું LLB નું ફોર્મ ભરવા માટે કોલેજ ગયો હતો. હું મારુ નિત્યક્રમ પતાવી સોફામાં લાંબો થઈને ટી.વી.માં એજ એકના એક નિરશ સમાચાર જોઈ રહ્યો હતો.નીતુ(મારા પત્ની) પોતાનું ઘર કામ કરી રહી હતી.અંશુલ એના રમકડે રમી રહ્યો હતો એને છેલ્લા 2 દિવસથી થોડો થોડો તાવ આવ-જા કરતો હતો.વાઇરલની ઋતુ ચાલતી હતી એટલે વાઇરલ ફીવર માની અમે એને ડૉકટરે લખી આપેલી પેરાસીટોમલ આપતા હતા અને આ ક્રમ બે દિવસથી ચાલતો હતો અંશુલભાઈને આ દવા પીવી ગમે નહીં, પરંતુ મને-કમને ઘણા બધા નખરા કર્યા પછી પીવી તો પડેજ,પણ અંશુલભાઈ આજે સવારના જ ઉત્સાહિત હતા અને 10 વાગતા સુધીમાં તો મને કેટલીય વાર પૂછી લીધું કે ડેડી દવાખાને જવામાં કેટલી વાર છે?? એમો બન્યું એવું કે ગઈ રાત્રે એને તાવ થોડો વધારે હતો એટલે અમે નક્કી કર્યું કે સવારે એને હોમિયોપેથીક ડોકટરને બતાવી દઈશું,અને મેં ડૉ. પંકજ દરજી જોડે રાત્રે વાત પણ કરી લીધી હતી એમણે સવારની એપોઇન્ટમેન્ટ ફિક્ષ કરી આપી.આ વાત અંશુલભાઈ એ સાંભળી લીધી.. બસ પછીતો એના ઉત્સાહનું પૂછવુજ શું.. આમ તો બાળકો દવાખાને જતા ડરે કડવી દવા-ગોળી,ઈન્જેકશન, બોટલ ચડાવવાનું એ બધાનો વિચાર માત્રજ બાળકોને ભયભીત કરવા પૂરતો છે.પરંતુ વાત જરા એમ કે મારે શરદીની એલર્જીની હોમીઓપેથીક દવા ચાલતી હતી તો અંશુલ ઘણી વાર મારી જોડે દવાખાને આવે અને ત્યોની નાની-નાની, મીઠી-મીઠી ગોળીઓ કોઈ દવા નાખ્યા વગર ડોકટર એને આપે એટલે ભાઈ સાહેબને તો આ ગોળીઓ ખુબજ ભાવિ ગઈ.આજે તો એ પોતેજ વરરાજા એટલે મીઠી ગોળીઓ ખાવા થનગને ચડ્યા.પરંતુ આજે સવારથી એને જરાય તાવ ન હતો અને મારે પણ 12 વાગે પાવાગઢ ખાતે મુખ્યમંત્રી સાહેબના પ્રોગ્રામ માટે એડવાન્સ ટીમમાં જવાનું હતું એટલે મેં મનમાં નક્કી કરી દીધું કે વાઇરલ હતો ને ઉતરી ગયો છે એટલે આપણે હવે કંઈ દવાખાને ધરમ ધક્કો ખાવા જવું નથી .પરંતુ રાત્રે પત્ની સાથે નક્કી કરેલો નિર્ણય હું એકલો તો ફેરવી ન શકું.એટલે મેં મારા પત્ની ને ભાર પૂર્વક 4 વખત કહ્યું કે તાવ નથી તો હવે ડોકટરને બતાવવાની કોઈ જરૂર લાગતી નથી.. અને મને ગળા સુધી વિશ્વાસ કે એ પણ ના જ પાડશે કે બરાબર છે તાવ નથી તો ખોટી દવા શુ કામ લાવવી,પરંતુ મારી ધારણા વિરુદ્ધ એણે મક્કમ બનીને કહ્યું ના બતાવી આવો તમે 2 દિવસ બહાર જાઓ છો, પછી જો વધારે થાય એના કરતાં એક વાર બતાવી આવો એ સારું.એટલે મારે દવાખાને જવા સિવાય કોઈ છૂટકો નહીં કેમ કે હું 2:1 થી લઘુમતીમાં આવી ગયો.10 વાગે ઘરેથી નીકળ્યો અને નિતુને કહ્યું કે બહાર ગામ જવા માટેનો મારો સામાન પેક કરી રાખે અને મારે આવીને જમીને તરત નીકળવાનું થશે.આટલું કહી મેં સ્ફુટી ચાલુ કરી,અંશુલભાઈ ઉત્સાહ પૂર્વક સ્ફુટીની પાછળ ઊંધા ફરીને હેન્ડલ પકડીને લટાર મારવા નીકળ્યા હોય એમ ગોઠવાઈ ગયા.1010 વાગે દવાખાને પહોંચી ગયા ત્યાં દવાખાના નિચેજ નાસ્તાની અને ચોકલેટની દુકાન અને અંશુલને પૂરો ભરોસો કે બહાર આવ્યા એટલે કશુક બહારનું ખાવા મળસે એ પાક્કું એટલે ભાઈની એક સામટી ડિમાન્ડ આવી ડેડી ચોકલેટ,વેફર,કિન્ડર જોય ,બિંગો ટેડેમેડે અપાવોને. મેં કીધું બેટા પહેલા ડૉકટર પાસેથી પેલી મીઠી-મીઠી ગોળીઓ લેતા આવીએ નહીતો ડોકટર જતા રહેશે આ બધું તો આપણે વળતા લઇ લઈશું.એમ કહિને અમે ઉપર ગયા અશક્તિમાં પણ 4 વર્ષનો અંશુલ રોજિંદી આદત મુજબ એક મોટ્ટો દાદરો સડસડાટ કરતો જાતેજ ચડ્યો,કેમ કે મારું માનવું એવું છે કે બાળકને બહુ પંપાળવાથી તે કમજોર બને એટલે સામાન્ય દિવસોમાં અંશુલ રમતા,દોડતા કે સાયકલ ચલાવતા પડી જાય તો પણ મેં એને કોઈ દિવસ ઉભો નથી કર્યો ભલે ને હું એની સામેજ બેઠો હોઉં તો પણ, અંશુલ જાતે ઉભો થાય એની સાયકલ લઈ આવે અને ઘરે આવીને એની મમ્મી ન જોતી હોય તો એને હું વાગ્યા પર દવા લગાવવાનું પણ એને જાતેજ કહું.આ બાબતે એની મમ્મીની મમતા જોડે મારે ઘણી વખત ઘર્ષણ થાય એ કહે આટલું નાનું બાળક છે તમે એને તમારી જેમ ન સમજો મોટો થશે એટલે બધું શીખી જશે,”થે તો કાઉ ઠા કઈ માટી રા વણ્યા હો,કતરું કઠોર દિલ હૈ કાઉઠા?થોરે કોઠે દયા તો હે ની” (તમે તો ખબર નહીં કંઈ માટીના બન્યા છો,કેટલું કઠોર દિલ છે તમારું?તમારા દિલમાં દયા તો છે નહીં)આમ કહી પોતાની વાત સમજાવવા પ્રયત્ન કરે.પરંતુ મારી તાર્કિક દલીલો થાય એટલે કંટાળીને મને કંઈ કહ્યા વગર છણકો કરીને જતી રહે.માઁ ની મમતા એની જગ્યાએ સાચી હતી પણ મને આમ વેવલા વેડા ગમે નહીં.અને બાળ ઉછેર તો મજબૂતીથીજ થવો જોઈએ તોજ બાળક મોટું થઈ પડછંદ બની દુનિયાની મુસીબતો સામે અડીખમ ઉભો રહે,જીવનની આફતોને સહજ બની સ્વીકારી શકે. બાપ-દીકરો બંને જાતે દાદરો ચડીને દવાખાને પહોંચ્યા.વાતાવરણ એકદમ શાંત ડૉ. સાહેબની કેબિનની સામેજ બહારના ભાગે ભગવાન સ્વામિનારાયણ નું નાનું મંદિર અને ત્યાં દિવા ધુપબતીના કારણે વાતાવરણમાં સુગંધ પ્રસરી રહી હતી જેનાથી એક દિવ્ય આનંદની અનુભૂતિ પ્રતીત થઈ રહી હતી.અગાઉ કોઈ દર્દી ન હોવાથી ડોકટર સાહેબે અમને તરત જ એમની કેબીન માં બોલાવી લીધા.ચહેરા પર મંદ મંદ સ્મિત,કપાળે ચાંલ્લો કાયમની જેમ આજે પણ ડૉ. સાહેબ એજ સ્થિતિમાં ટેબલ ઓર લેપટોપ રાખી ફરતી ખુરશીમાં સામે બેઠેલા હતા.સ્વામિનારાયણ ધૂન ધીમા અવાજે વાગી રહી હતી.અમેં અમારું સ્થાન લીધું.સામાન્ય વાત-ચિત કર્યા પછી અંશુલને આ હોમીઓપેથી ગોળીઓ બહુજ ભાવે,એક દિવસ તો કોઈ ન જુવે એમ સંતાઈને મારી દવાની બોટલમાંથી 30-40 ગોળીઓ ખાઈ ગયો.એ વાત મેં ડૉકટર ને કરી એ પ્રસંગથી કેબિનમાં થોડું હાસ્ય ફરી વળ્યું અને એમણે કહ્યું કે હવે કોઈ વખત આવું થાય તો એને કોફી પીવડાવી દેવાય જેથી દવાની કોઈ અસર ન થાય. ડૉ.પંકજ દરજી એ વાતો કરતા કરતા અંશુલને તપાસવાનું ચાલુ કર્યું અને અંશુલ પણ પોતાને મીઠી ગોળીઓ મળશે એ વિચારે મનમાં મલકાઈ રહ્યો હતો અને ડૉ. ને સરસ સહયોગ આપી રહ્યો હતો,જીભ બહાર કાઢ,આ..આ.. બોલો,પાછળ ફરીને શ્વાસ લે,પાંપણો ઊંચી કરીને આંખો તપાસી,હાથની નાડી પકડી ધબકારા ચકાસ્યા સ્ટેથોસ્કોપને છાતી અને પીઠના ભાગે ફેરવી ફેરવીને તાપસ્યું એમણે આજે તપાસવામાં  રૂટિન કરતાં ઘણો વધારે સમય લીધો હતો અને ખુબજ ગંભીર બનીને એકચિત્તે તપાસી રહ્યા હતા,એટલે મને કંઈક ગરબડ છે એનો અંદેશો આવી ગયો.એમણે એમની તપાસ પુરી કરીને મારી જોડે વાત કરવા મારા તરફ ફર્યા પણ એમના હાવ-ભાવ તદ્દન બદલાયેલા લાગ્યા,થોડીક ક્ષણો પહેલા કેબિનમાં જે રમુજી વાતાવરણ હતું એમો ચીર શાંતિ પ્રસરી ગઈ અને કંઈક અજુગતું છે એવો મને અંતરનાદ થયો. ડૉક્ટર સાહેબ થોડી વાર કશુંય બોલ્યા નહીં.મારા મનમાં તો ભયનું ભૂતાવળ ઉપડ્યું. મેં થરકતા શ્વરે પૂછ્યું શું વાત છે સાહેબ કોઈ ચિંતા જેવું છે?? ગળામાં ઇન્ફેકશન છે અને તાવ પણ છે,પરંતુ….. એટલું બોલીને ડોકટર ચૂપ થઈ ગયા.મારુ બ્લડ પ્રેસર વધવા લાગ્યું,શરીરમાં ચિંતાની એક કંપારી પ્રસરી ગઈ. સાહેબ શુ વાત છે જે હોય તે કહો મને બહુજ ચિંતા થાય છે..આટલું તો હું મારી બધી તાકાત ભેગી કરીને માંડ બોલી શક્યો.એટલે એમણે સાવ ધીમા અવાજે કહ્યું કે હૃદયમાં કંઈક વિચિત્ર પ્રકારનો અવાજ આવે છે..એટલે હૃદયમાં કાણું હોય એવું ચોખ્ખું લાગે છે.આટલું સાંભળતાંજ મારા મનમાં ધ્રાસકો પડ્યો,પગ તળેથી જમીન સરકી ગઈ જાણે 440 વોલ્ટનો કરંટ લાગ્યો અને હું બેસુધ બની ગયો,મારી છાતી પર વીજળી વેગે વજ્રાઘાત થયો હોય એમ હું આઘાતમાં સરી પડ્યો.કાળા ડિબાંગ આકાશમાંથી તીવ્ર ગતિથી વીજળી જેમ ઘેઘુર વૃક્ષ પર પડે ને પળભરમાં તો એને ઊભેઉભુ ચીરી નાખે એમ મારા હૃદયને આ શબ્દોએ એકજ ક્ષણમાં ચીરી નાખ્યું.માણસ જેમ કોમામાં હોય એને મહેસૂસ બધું થાય પણ શરીર કામ ન કરે મારી હાલત એવી થઈ ગયી.આખા શરીરે જાણે લૂણો લાગ્યો.ડોકટર બોલતા ગયા કે જુઓ આ અંશુલના હાથ કેટલા સફેદ થઈ ગયા છે અને આપણા હાથ જુઓ,પહેલા તમારી જોડે આવ્યો એ વખતે કેવો ગલગોટા જેવો હતો અને આજે જુઓ કેવો સુકાઈને સાવ રુક્ષ થઈ ગયો છે એનો ચહેરો કેવો સાવ ફિક્કો પડી ગયો છે..તમે એને બાળકોના સારા ડોકટરને બતાવો.એ બોલતા ગયા અને મારા મનમાં વિષાદના વાદળો બંધાતા ગયા,મારૂ વ્યાકુળ મન અને અકળ-વકળ થયેલા હાવ-ભાવને ડોકટર કળી ગયા અને તરત મને આશ્વાસન આપવા લાગ્યા કે હવે તો ટેક્નોલજી ઘણી વિકસી ગઈ છે તો આવા ઓપરેશન પણ ઘણા સફળ થાય છે એમનું આ આશ્વાસન પણ ગાંડીવના તીરની જેમ મારા હૃદયને વીંધીને આર-પાર નીકળી ગયું.મને લાગ્યું કે સ્થિતિ ખરેખર ખુબજ વણસી ગઈ છે અને આ બીમારીની મને જાણ થવામાં ખુબજ મોડું થઈ ગયું છે.એટલે એની અસર પણ એના શરીર પર વર્તાવા લાગી છે.ડૉ.આટલું બધું કહે છે નક્કી કોઈક મોટી તકલીફ જ હોવી જોઈએ નહીંતર કોઈપણ ડૉ. આવું ન જ કહે.મારી સમક્ષ અંશુલ અને મારું એટેચમેન્ટનું એક એક દ્રશ્ય કલાઈમેક્સની જેમ ફરવા લાગ્યું,અમે કેટલી મસ્તી કરતાં, કેટલું એક-બીજાને લાડ લડાવતા,હું જ્યારે નોકરી પરથી આવું તો અંશુલ ગમ્મે તે સ્થિતિમાં હોય દોડીને મને વળગી પડે અને હું પણ અને ઊંચકીને વ્હાલ કરી નોકરીનો થાક ઉતારી દઉં,જાણે એક શરીર તો બીજો એનો આત્મા.નોકરી પર એનો ફોન આવે અને કાલી-ઘેલી બોલીમાં એ ફરમાઈશ કરે મારા માટે મન્ચુરિયન,ભાજીપાવ લેતા આવજો,આજે જલ્દી આવજો આપણે મુવી જોવા જવાનું છે,બહાર જવાનું છે.અમે સાથે વિતાવેલી દરેકે દરેક ક્ષણ મારા માનસપટ પર ફરવા લાગી અને મારા નિઃસહાય અંતર આત્મા આગળ કોઈ રાક્ષસી અટહાસ્ય કરતું હોય એવો ભાષ થવા લાગ્યો,જ્યારે કોઈ અશુભ સમાચાર મળે અને અમંગળના એંધાણ થાય ત્યારે નજીકમાં બનેલી અપ્રિય અને અશુભ ઘટનાઓ સામે આવી જાય છે.બે દિવસ પહેલા સવારે છ વાગ્યે નીતુ ઊંઘમાંથી સફાળી જાગી અને મને જગાડ્યો મેં જોયું તો એના અવાજમાં ડર અને ચિંતા હતી .મેં પૂછ્યું શુ થયું?? તો એણે કહ્યું કે મેં આજે એક ખરાબ સ્વપ્ન જોયું છે,એને કોઈએ કહેલું કે તમે કોઈ ખરાબ સ્વપ્ન જુવો તો એને કોઈ બીજા આગળ વ્યક્ત કરી દેવું જેથી એ સપનું નિરર્થક થઈ જાય.એ મને આમ પણ ઘણી વખત એણે જોયેલું દુઃસ્વપ્ન કહી દે અને હું એના મનની શાંતિ માટે સાંભળી પણ લઉં પરંતુ આજે વાત જુદી હતી.દર વખતે હું જયારે જાગુ ત્યારેજ કહે પરંતુ આજે એણે મને જગાડ્યો એટલે મને થોડું અચરજ તો થયું જ પરંતુ મેં અધ ખૂલેલી આંખે પરાણે પાંપણો ઊંચી કરી કહ્યું બોલ શુ અને કોનું સપનું આવ્યું ? એણે કહ્યું અંશુલનું ..આટલું સાંભળતાજ હું સંપુર્ણ જાગ્રત અવસ્થામાં આવી ગયો,એને આગળ બોલતા અટકાવતા,કહ્યું કે હું મારા લાડકવાયા વિશે ખરાબ સપનાની વાત પણ ન સાંભળી શકુ,તારા મનની શાંતિ માટે તું બીજા કોઈને કહી દેજે એમ કરીને મેં એની વાત પણ ન સાંભળી. હવે એ સઘળું મારી નજર સમક્ષ મારા માનસપટ પર કાળસ બની છવાઈ ગયું.ડોકટરે પૂછ્યું કે તાવ અને ઇન્ફેકસનની દવા લેવી છે? તો મેં ન લીધી અને વ્યગ્ર મનને થોડું સ્વસ્થ કર્યું લડખડાતા હૈયે મેં અંશુલને તેડીને છાતી સરસો ચાંપ્યો અને વ્યથાના વમળમાં ફસાયેલો હું ત્યાંથી ઊંડો નિશાસો નાખી બાળકોના હોસ્પિટલ ડૉ.રાજન દોષીને ત્યો જવા રવાના તો થયો,પરંતુ ભયના ભોંરિંગે એવો તે અજગર ભરડો લીધો કે શરીરને જાણે લકવો મારી ગયો હોય અને હું ત્યોજ ફસડાઈ પડીશ એવું લાગ્યું.દાદરો ઉતરતા ઉતરતા અંશુલની મમ્મીનો વિચાર આવ્યો કે એને ખબર પડશે તો એતો ગાંડી જ થઈ જશે,અને આમ પણ આવી વાત કોને અને કેવી રીતે કરાય.આજે એનો ફોન આધારલિંક કરાવવાનો હોવાથી હું મારી જોડે લાવ્યો હતો એટલે એનો ફોન આવ્યો પણ નહીં.જો ફોન એની જોડે હોત તો આટલી વારમાં તો સામેથી કોલ કરી દીધો હોત.અડધા કલાક પહેલાની રંગીન દુનિયા મને બેરંગ લાગવા લાગી અને અંશુલ વગરના જીવનની કલ્પના માત્રથી હું કંપી ઉઠ્યો,પાણી વગર માછલી તડપે એમ મારુ મન તડપવા લાગ્યુ.મને દાદરો ઉતરતા તો જાણે કલાકો લાગ્યા,સમય થંભીને મારા દુઃખને વેગની વણઝાર આપી રહ્યો હતો.મને પૂછી રહ્યો હતો કે કેમ ભાઈ કમાન્ડો તમે તો બહુજ બહાદુર,નીડર અને હિંમત વાળા છો ને??મેં રડતા હૃદયે કહ્યું કે આ કમાન્ડો નહીં એક બેબસ અને લાચાર બાપ છે.હું અંશુલને તેડીને નીચે ઉતર્યો હવે તો મારા લાડકવાયાને હું એક પણ ડગલું નહિ ચાલવા દઉં.રસ્તામાંજ અંશુલના સવાલો ચાલુ કેમ આપણે પેલી ગોળીઓ નથી લીધી? મેં કીધું આપણે એ લેવા માટે પાછા આવીએ છીએ તો કહે સારું પણ ચાલો મને વેફર અને ચોકલેટ તો અપાવો.એની નિર્દોષ વાતો મારા હૈયામાં સુળની જેમ ખૂંચીને પૂછી રહી હતી કે આવા મીઠા-મધુર અવાજની વાતો હવે કેટલા દિવસ સાંભળવા મળશે?મારુ રૂંવે રૂવું રડતું હતું બસ હુંજ કેમેય કરીને એને રોકી શક્યો હતો.થોડીક સ્વસ્થતા કેળવી અને વિચાર્યું કે મારે કોઈને તો સાથે રાખવું જ જોઇશે કેમકે આગળની પરિસ્થિતિ હું એકલો નહીં સંભાળી શકુ.વિચાર્યું કે વિષ્ણુને બોલાવી લઉ પણ એની પાસે કોઈ સાધન ન હતું એટલે એ તો આવી નહીં શકે અને મનોહર એનું LLB નું ફોર્મ ભરવા કોલેજ ગયો હતો તો એને ફોન કરીને ડૉ. રાજન દોષીને ત્યાં આવવા કહ્યું,એના ફોનમાં કોલેજમાં છોકરાઓનો બેકગ્રાઉન્ડ અવાજ ખુબજ આવી રહ્યો હતો,એણે બરાબર સાંભળ્યું હશે કે નહીં એ પણ એક અસમંજસ જેવું હતું.મેં સ્ફુટી ચાલુ કરી અંશુલ પાછળ ફરીને બેસવા ગયો તો મેં એને ના પાડી અને આગળ મારા ખોળામાં બેસાડ્યો. અને 17/22 ની સામે કલરવ હોસ્પિટલ ડૉ. રાજન દોષી તરફ ભગાડી,અને રસ્તામાં અંશુલની ફરિયાદો ચાલુ કે મારી મીઠી ગોળીઓ ન લીધી,કસુય અપાવ્યું પણ નહીં અને મને પાછળ પણ ન બેસવા દીધો,તમે કંઈ સારા ડેડી નથી એવો બડબડાટ કરીને એનો બળાપો કાઢતો હતો.પણ એના એકએક શબ્દથી મારુ દિલ ભડકે બળતું હતું.દોઢ કિલોમીટરનો 5 મિનિટનો રસ્તો કાપતાં મને દાયકો થયો હોય એવું લાગ્યું.આખે રસ્તે ભગવાનને દેવી દેવતાઓને યાદ કરતો રહ્યો.કલરવ હોસ્પિટલના સામેના રોડ પર સ્ફુટી પાર્ક કરી અને મેં અંશુલને તેડી લીધો તો એને નવાઈ સાથે પૂછ્યું,કેમ ડેડી મને તેડો છો? મેં કીધુ બસ બેટા આમજ રોડપર સાધન ચાલતા હોયને એટલે આપણે સાચવીને ચાલવું જોઈએને.પણ મને હવે મારા દિકરાને જરાકે તકલીફ આપવી પરવડે નહીં.આગળ દવાખાના નીચે ફરી વેફર અને ચોકલેટની દુકાન આવી તો અંશુલની ત્યાંજ ફરમાઈશ ચાલુ કે ડેડી હવે તો કિન્ડર જોય ,બિંગો ટેડેમેડે અપાવો… હું ફક્ત એટલુંજ બોલી શક્યો “હા બેટા તારે જે જોઇશે એ બધુંય અપાવીસ”,બસ મારો દીકરો એક વાર સાજો નરવો થઈ જાય એ વિચારથી હૃદય વલોપાઈ રહ્યું હતું. એના આવા વ્હાલભર્યા શબ્દબાણોથી મારી આંખો પાંપણોની પાળ તોડી ચોધાર આંસુએ એવી તો વરસી જાણે શ્રાવણ-ભાદરવો.જેમ વાદળ ફાટે ને પાણી વરશે,પાણી થી છલોછલ ભરેલો ડેમ એકાએક તૂટે ને જે વીજળી વેગે પાણીનો પ્રવાહ વહે એમ મારા અશ્રુઓ વહી રહ્યા હતા.મારા દિલે દિમાગની વાત માનવાની ના પાડી દીધી અને એણે લાગણીઓ વરસાવવાની ચાલુ જ રાખી,રડતા રડતાં હું દાદરો ચડી દવાખાને પહોચ્યો.દવાખાને ખુબજ ભીડ હતી અને નાના બાળકોનો કકળાટ અને મોટેરાઓની મંદ ગતિની વાતોએ વાતાવરણમાં શોરબોર ભર્યો હતો.સૌ પોતપોતાનામાં મશગુલ હતા.દવાખાનાના કોલાહલ વચ્ચે મારુ મન જેમ તાજના પત્તાનો મહેલ એક હવાની એક લહેર માત્રથી કડકભુસ થઈ જાય એમ ક્ષત-વિક્ષત થઇ ગયું.મારુ આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું એનું પણ ધ્યાન ન હતું.ઉચાટથી ઊકળતા શરીર અને પરસેવે લથબથ કપડામાંથી શરીરને એરકન્ડિશનરની ઠંડી હવાની જેવી ઝાકળ લાગી એટલે તો હું ભાનમાં આવ્યો,તાલીમમાં 5 કિલોમીટર દોડ્યા પછી પણ ન આવતો પરસેવો આજે રૂંવે રૂંવેથી ચિંતા બની નીતરી મને પલાળીને થાકથી લોથપોથ કરી દીધો હતો.મારુ શરીર સાવ શુષ્ક અને ગાત્રો શિથિલ થઈ ગયા.કેમકે આવા કેસમાં સાવ નહિવત પરિણામ આવતું હોય છે એવું મારી જાણકારીમાં હતું.અંશુલ વગરનું જીવન એટલે પ્રાણ વગરનું શરીર,સૂર્ય વગરનો દિવસ અને ચાંદ-તારા વગરનું રાત્રીગગન.બસ એકજ વિચાર કે હવે મારુ શુ ? મારુ કોણ? મારા પત્નીને કંઈ રીતે સંભાળીસ ?કેમ કે જો એક પિતા તરીકે મારી આવી હાલત થઈ છે તો એક માઁ ની તો શું હાલત થશે?આવા સવાલોની ઝડી વરસી,આવનારા દુઃખના ભણકારાથી જીવન નિરર્થક લાગવા લાગ્યું હતું.ત્યાં રાખેલા બાંકડે અંશુલને બેસાડી હું થોડો સ્વસ્થ થઈ  રીસેપ્શન પર ગયો ત્યાં બેઠેલાં સિસ્ટરે દર્દીનું નામ પૂછ્યું,મારે ગળે ડૂમો બાજી ગયો,મને ખ્યાલ હતો કે મોઢું ખોલીસ તો ચીસ નીકળી જશે અને લોકોથી ભરચક દવાખાનામાં આવો વહેવાર વિચિત્ર લાગશે.અંશુલને 4 વર્ષમાં એકાદ વાર સાવ સામાન્ય તાવ આવેલા એના સિવાય કોઈ દિવસ એણે મને દવાખાનાના પગથિયાં નથી ચડાવ્યો અને આજે ..આવડી મોટી આફત.મેં ઊંડો શ્વાસ લઈ નિશાસો નાખ્યો અને બોલવાનો પ્રયત્ન કર્યો,પણ મોઢામાંથી શબ્દો નીકળે એના પહેલા આંખો વરસી પડી,સિસ્ટર સમજી ગઈ અને મને આશ્વાસન આપ્યું અને કહે શાંતિથી નામ બોલો અને શું તકલીફ છે એ કહો.હું માંડ માંડ અને તૂટક શ્વરે ફક્ત અં..શુ..લ એટલુંજ બોલી શક્યો.સિસ્ટરે મને અટક પૂછી પણ મારાથી ન બોલાયું,ડોક્ટરને બતાવવા પૂર્વે કરાતી તપાસ કરાવવા બાજુની કેબીનમાં જવા મને કહ્યું અને બોલ્યા કે ભાઈ થોડું પાણી પઇલો અને મોઢું ધોઇલો બધું સારું થઈ જશે.હું અંશુલને બાજુની કેબિનમાં બેસાડી વૉશરૂમ માં ગયો મોં ધોયું અને પાણી પીવા ગ્લાસ ભરી મોઢામાં નાખ્યું પણ ગળે ન ઉતર્યું મેં ખુબજ પ્રયત્ન કર્યો એટલે ધીરે ધીરે માંડ એક ઘૂંટડો પીવાયો.બહાર આવીને અંશુલને જોયો તો ફરી આંખોમાંથી પાણી વરસવા લાગ્યું.મારુ આ વર્તન સામાન્ય માણસને એક મૂર્ખ જેવું લાગે.પણ મને આજે ખબર પડી કે ડર શુ હોય.નર્સ કહે ભાઈ શુ થયું છે બાળકને આટલું સરસ બાળક છે ને કેમ રડો છો? હવે એ બેનને કોણ સમજાવે કે આટલું સરસ છે એટલેજ તો રડવું આવે છે.મેં કીધું હૃદયમાં કાણું છે..એટલે એ પણ થોડી વાર ચૂપ થઈ ગઈ અને એણે સાંત્વના આપી કે ચિંતા નહીં કરો ભગવાન બધું સારું કરશે.એણે મેડિકલ હિસ્ટ્રી પૂછી જન્મ? નોર્મલ,કોઈ બીમારી? ના, કોઈ ઓપરેશન? ના,અંશુલના હાથની આંગળીઓમાં ધબકારા માપવાનું મસીન તથા હૃદય પર ઈકો લાગેલું જોઈ અંશુલ ગભરાઈ ગયો અને રડવા લાગ્યો મારા આંશુઓ પણ વધતા જતા હતા,અને હવે તો આ પીડાથી ધ્રુસકે-ધ્રુસકે રડી રહ્યો હતો.આ જોઈ અંશુલ પણ વ્યથિત થઈ ગયો અને એના બાળમનને કંઈક સમજાયું હશે એટલે મને કહેવા લાગ્યો ડેડી તમે રડો નહીં,હું કશું ખાવાનું નહીં માંગુ,તમે મને કશુંય નહીં અપાવતા.આ સાંભળી મેં એને મારા આગોશમાં જકડી લીધો અને મારા આંશુઓ વધતા જોઈ એ કહેવા લાગ્યો ડેડી ચાલો આપણે ઘરે મમ્મી જોડે જતા રહીએ.મારૂ 4 વર્ષનું કુમળું બાળક આજે સમજદાર દીકરો બની એના પિતાને આશ્વાસન આપી રહ્યો હતો અને પોતાના કુમળા હાથ વડે પિતાના આંશુઓ લૂછી રહ્યો હતો.એના હાથની નાની-નાની આંગળીઓનો સ્પર્શ મારી પીડામાં ઘોડાપુર લાવી રહ્યો હતો.હું વારેઘડીએ દરવાજા સામું જોઈ રહ્યો હતો કે મનોહર હજુ કેમ નથી આવ્યો? હવે તો આવી જાય તો સારું.હવે એક એક પળ મારા માટે અકારી થઈ ગઈ હતી.હું સિસ્ટરને બે વખત હાથ જોડી વિનંતી કરી આવ્યો કે બેન મને પહેલા જવાદો મારાથી હવે નથી રેવાતું.થોડી વાર બેઠો પછી એમણે સ્થિતિનો અણસાર પામી મને બીજા પેસેન્ટની વચ્ચે થી જવા કહ્યું.મારા આગળ લાઇન બેઠેલા બીજા દર્દીઓનો અણગમો એમની આંખોમાં દેખાઈ રહ્યો હતો.હું ધ્રુજતા હાથ પગે હિંમત ભેગી કરી ડૉકટરની કેબીન તરફ આગળ વધ્યો મનોહર હજુ પણ આવ્યો ન હતો,મારી આંખો આગળ અંધારા આવી રહ્યા હતા,મારી બધી તાકાતને હાથમાં એકઠી કરી દરવાજાને ધક્કો માર્યો,દરવાજો સો મણ વજનનો હોય એટલો ભાર લાગ્યો.હું અંદર પ્રવેસ્યો,અવાજ પ્રુફ કેબિનમાં એક અલગ પ્રકારની શાંતિ હતી,મને મારા હૃદયના વધી રહેલા ધબકારા સિવાય કશુજ સંભળાતું ન હતું.પહેલા કેબિનમાં આસિસ્ટન્ટ ડોકટર મેડમ બેઠા હતા.અંશુલને એમની સામેના ટેબલ પર બેસાડ્યો અને હું એની બાજુની ખુરશી પાસે ઉભો રહી ગયો,મેડમે મને ખુરશીમાં બેસવા કહ્યું એટલે હું બેઠો.ડૉકટરે ફાઇલ જોઈ અને પૂછ્યું શું તકલીફ છે એ જણાવવા કહ્યું, હું રડતા-રડતા તૂટક તૂટક અવાજે એક એક ઘટનાક્રમ કહી રહ્યો હતો,અને મેડમ મને દિલાસો આપી રહ્યા હતા. મારી વાત પુરી થઇ એટલે બાજુની ચેમ્બર માંથી ડોકટર રાજન દોષી આવ્યા.આધેડ વયના,ઠરેલ અને શાંત સ્વભાવના સાહેબે મને જોઈને પરિસ્થિતિ સમજતા વાર ન લગાડી અને તરતજ અંશુલને તપાસવા માટે ત્યાં રાખેલા ટેબલ પર સુઈ જવા કહ્યું.ટેબલ પર સુવા અંશુલે ઇન્જેકશનના ડરથી ના પાડી અને એ રડવા લાગ્યો,મેં સમજાવ્યો કે બેટા ફક્ત તપાસ કરવાની છે ઈન્જેકશન નહિ આપે,લે હું તારી જોડે તારો હાથ પકડીને ઉભો રહુ બસ.ડૉકટર સાહેબ અંશુલને તપાસવા લાગ્યા.આંખો ચકાસી, જીભ અને ગળું ટોર્ચ કરીને જોયુ, નાડી ને હાથમાં લઈ તપાસી,સ્ટેથોસ્કોપને છાતીએ મૂકી તપાસતા હતા.અને આ બાજુ મારુ હૃદય એની મહત્તમ ગતિએ દોડી રહ્યું હતું.ડોક્ટર શુ કહેશે એ વિચારે શૂળ ઉપડી રહી હતી.છેવટે એ સમય આવ્યો જ્યારે ડોક્ટર અંશુલને તપાસી મારા તરફ ફર્યા.ખૂબજ સૌમ્ય ચહેરે અને શાંત અવાજે એમણે બોલવાનું ચાલુ કર્યું, “જુઓ ભાઈ તાવ તો થોડો છે જ,અને શરદી પણ છે,ગાળામાં ઇન્ફેકશન પણ છે,પરંતુ કઈ ચિંતા જેવું લાગતું નથી રહી વાત હૃદયમાં કાણાની તો ઘણી વખત એ શરદીના કારણે પણ હાર્ટમાંથી એવો સાઉન્ડ આવતો હોય છે એટલે હ્ર્દયમાં કાણું છે એવું માની ન લેવાય,મને 99% એવું લાગે છે કે આ સાઉન્ડ નોર્મલ છે” આટલું સાંભળતા હું એવો હાશકારો બોલ્યો કે મોઢામાંથી થુંક ઉડી ગયું, મારા માથેથી 100 કિલો વજન હળવું થઇ ગયું.ડોકટર બોલતા રહ્યા,”હું તમને બ્લડ રિપોર્ટ કરાવવા લખી આપું છું વાઇરલની દવા આપી દઉં છું,અને હૃદયનો પણ ચચોટ ખ્યાલ આવી જાય એના માટે 2D ઇકોની તપાસ કરાવી લો,અને બધા રિપોર્ટ આવી જાય એટલે બપોર પછી મને બતાવી જજો”.સાહેબના શબ્દો સાંભળી નવી ચેતનાનો સંચાર થયો એટલે દરવાજો ખુલ્યો જોઉં તો મનોહર કેબીનમાં આવી ગયો હતો.મનોહરે ફોનમાં મારો અસ્વસ્થ અવાજ સાંભળીને એનું LLBનું ફોર્મ પડતું મૂકીને એ દવાખાને આવવાતો નીકળી ગયો હતો પરંતુ એને અવવામાં મોડું એટલે થયું કે એને ફોનમાં એવું સમજાયુ કે સેક્ટર 22માં ડો.રમણ પટેલને ત્યાં ગયા છીએ,એટલે એ પહેલાં ત્યાં ગયો હતો.નસીબમાં આ પીડા મારા એકલાનાજ ભાગે લખાઈ હશે.અને એટલા સુધીમાં તો હું હળવો થઈ ગયી હતો છતાં મારો આવો વ્યાકુળ અને અસ્તવ્યસ્ત આવો ચહેરો મનોહરે જીવનમાં પહેલી વાર જોયો અને એ સમજી ગયો કે કંઈક ગરબડ તો છેજ,વાત સાવ સામાન્ય નથી.અમે બહાર આવ્યા અને મેં એને એટલું જ કહ્યું કે હોમિયોપથી વાળા ડોકટરે ખોટો વહેમ ઘાલ્યો હતો એટલે તને બોલાવ્યો બાકી તો બધુ નોર્મલ જ છે.ડોકટરને મળ્યા પછી એમનો વિશ્વાસ જોઈને મારી લગભગ ચિંતાઓ દૂર થઈ ગઇ હતી.કાકો ભત્રીજો એમની આદત મુજબ મસ્તી કરતા કરતા લેબોરેટરી ગયા અને ત્યાં લોહીના રિપોર્ટ કરાવ્યા જે નોર્મલ આવ્યા.પછી 2D ઇકો કરાવવા ગયા ત્યાં ડોકટર 4 વાગે મળશે એવું કહ્યું એટલે અમે ઘરે પરત આવ્યા.અને ધાર્યા મુજબ નિતુના પ્રશ્નોનું ફાયરીંગ ચાલુ થયું,કેમ આટલી વાર કરી? એક સાદા તાવમાં તો કઈ આટલી બધી વાર ?એક તો મારો ફોન પણ સાથે લઈ ગયા એટલે ફોન પણ કેવીરીતે કરવો?એતો ખુબજ સારું થયું કે ફોન મારી જોડે હતો નહીં તો હું નીતુ આગળ લાગણી ન છુપાવી સકોત હું એ વિચારી મનમાં રાજી થયો..એ તો બુલેટ ટ્રેનની જેમ બોલવાની સ્પીડ ધીમી થવાનું નામ જ ન લે.. તમારે નોકરી જવાનું હતું 12 વાગે અને ઘડિયાળ જુઓ દોઢ વાગવા આવ્યા.નોકરી માટે મેં મારા DYSP D V GOHIL સાહેબને વાત કરી હતી કે સાહેબ મારા દીકરાને દવાખાને લાવ્યો છું તો મોડું થશે,સાહેબે સામેથી સંમતિ આપી અને કહ્યું કશો વાંધો નહીં તમે તમારા દીકરાની સારવાર કરાવો અને શાંતિથી તમારી ટિમ સાથે 2 વાગે નિકળજો.એમનો જવાબ મારી અપેક્ષા મુજબજ હતો કેમકે CM HOUSEનું વાતાવરણ આ બાબતે ખુબજ પોઝિટીવ છે.કોઈને કોઈ પણ કામ હોય તો ક્યારેય અટકતું નથી.અધિકારીઓ અને કર્મચારીઓ ખુબજ પ્રેક્ટિકલ અને સમજદાર છે.હું નિતુને એક સાથે અનેક સવાલોના જવાબમાં એટલું જ કીધું કે દવાખાને ભીડ બહુ હતી એટલે જ વાર લાગી,કેમ કે  આ વાત એને કરવાનો આ કોઈ યોગ્ય સમય ન હતો,કેમકે બધું સમજાવવાનો મારી પાસે સમય ન હતો,મેં ફટાફટ બે રોટલી તો માંડ ખાધી.4 વાગે એક નાની તાપસ કરાવવા જવાનું છે,અને મનોહર જોડે આવશે અને મનોહર તને સમજાવી દેશે કે સાની તપાસ છે મારે મોડું થાય છે હું નીકળું છું.એમ કહીને હું મારી ફરજ પર જવા રવાનાં થયો.જતાં જતાં મનોહરને કહેતો ગયો કે સમય પર પહોંચી જજો અને ત્યાં જઈને ડૉકટર જોડે મને વાત કરાવજે.મેં રસ્તામાંથી 4 વાગે ઘરે ફોન કર્યો તો એ હજુ નીકળ્યા ન હતા એમને તો કોઈ ગંભીરતાનો ખ્યાલ જ ન હતો એટલે કાયમની ટેવ મુજબ જવાય છે,શું વહી જાય છે? કે ભાઈ આટલો અધીરો થયો છે.પછી તો મારા ફોન  ઉપાડવા જ બંધ કરી દીધા ન મનોહર ફોન ઉપાડે કે ન એના ભાભી.અનેક ફોન કરી હું અકળાયો અને ચિંતા થવા લાગી શુ થયું હશે કેમ ફોન નહીં ઉપાડતા હોય? મેં નેટ પર સર્ચ કરી લેબનો નંબર લીધો તો એ લોકો પણ ન ઉપાડે હવે કરવું તો કરવું શું? ત્રીજી વખતના પ્રયત્ને લેબ વાળા બેને ફોન ઉપાડ્યો મેં વિગત પૂછી તો કહે સાહેબ તપાસે છે બહાર આવે એટલે ફોન કરાવું. થોડી વાર રહી મનોહરનો ફોન આવ્યો મેં કોઈ પણ જાતની શિકાયત વગર સીધું જ રિપોર્ટ બાબતે પૂછ્યું કેમકે મારા માટે બાકી બધું ગૌણ હતું.મનોહર બોલ્યો રિપોર્ટ નોર્મલ છે,મેં કીધું મને વાત કરાવ ડૉકટર જોડે,તો કહે સારું કરાવું, થોડી વારમાં ફોન રણક્યો અને સામેં છેડે ડૉકટર હતા હું કંઈ પૂછું એના પહેલા એજ બોલવા લાગ્યા,”રિપોર્ટ નોર્મલ છે અને આવો આવજ તો 10 બાળકમાંથી એક બાળકને આવેજ,એટલે કંઈ ચિંતા જેવું નથી.અને આની કોઈ દવા ગોળી કે સારવારની પણ જરૂર નથી”.એમની વાત સાંભળી ઊંડો હાશકારો થય.અને ભગવાનને માનેલી બાધા ફળી એનો આનંદ અનહદ હતો.હું સઘળી ચિંતાઓમાંથી મુક્ત બની હળવો ફૂલ બની ગયો.પણ આજની આ દુસ્કર અને કપરી અવસ્થામાંથી પસાર થઇને હું ખુબજ શારીરિક અને માનસિક રીતે થાકી ગયો હતો.આ બનાવ પછી મારા જીવનમાં ખુબજ બદલાવ આવ્યો મારો અભિગમ મારા બાળક પ્રત્યે એકદમ બદલાઈ ગયો હતો,અને પોતાના માતા-પિતા માટે પણ ખુબજ આદર પ્રેમ વધી ગયો. હોટેલ પર જઈને તરત જ સુઈ ગયો,આખા દિવસના ભયંકર માનસિક થાકના કારણે આખી રાત ઊંઘ ન આવી. ઘરે આવીને મારા પત્નીને આખી વાત કરી તો એ ખુબજ રડી અને બાજુમાં સુતેલા અંશુલને છાતીએ ચાંપીને ખુબજ વ્હાલ કર્યું અને હોમીઓપેથી વાળા ડૉકટર પર એટલી ગુસ્સે અને નારાજ થઈ કે એણે એની જોડે કોઈ દિવસ નહીં જવા કહ્યું.મેં એને કીધુ કંઈ નહીં આપણે એ બહાને વહેમ તો નીકળી ગયોને.આ ઘટના જ્યારે મેં મારા મિત્ર વિક્રમને કહી તો એણે ખુબજ દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તું આને શબ્દોમાં ઉતારજે એટલે હું આને લખી રહ્યો છું.આ ઘટનાને 2 વર્ષ પછી હું મારા અને નિતુના મનનો વહેમ દૂર કરવા અમદાવાદ પાલડી ખાતે એક ખુબજ પ્રખ્યાત બાળકોના હાર્ટ સર્જન પાસે જઈ બધા રિપોર્ટ કરાવી આવ્યો અને બધા રિપોર્ટ નોર્મલ આવ્યા.આ ઘટના એ મને એ શિખવ્યું કે દરેક માતા-પિતા પોતાના સંતાનોને કેટલો પ્રેમ કરતાં હોય છે.પોતાના બાળકો માટે કેટલું બલિદાન કેટલો ત્યાગ અને ભોગ આપતા હોય છે,બાળકોની આસપાસ માં-બાપની દુનિયા હોય છે.બાળકના સુખે સુખી અને દુઃખે દુઃખી.આપણો જન્મ અને ઉછેર એ આપણા પર અનન્ય ઋણ છે જેને ઉતારવું અશક્ય છે.એમનો નિસ્વાર્થ પ્રેમ,ભાવ અને સમર્પણ ભગવાન થી પણ વિશેષ હોય છે.એમના કરેલા ઉપકારોનો તો આપણે બદલો ન વાળી શકીએ પરંતુ,આપણે મોટા થયા પછી એમની લાગણી અને પ્રેમની દરેક તબક્કે કદર અને આદર કરવો જ જોઈએ.

Popular posts from this blog

જૂનુ ઘર ખાલી કરતા